Sunday, October 18, 2009

SONGS OF A MOMENT : BY RAMJI GOSIA, RAJKOT


ક્ષણનાં ગીત(1થી30)BY RAMJI GOSIA, RAJKOT

1.

પ્રેમના અમાપ સંગીતમાં તું ડોલાવે છે

ત્યારે હું વિલીન થઈને ‘તું’ બની જાઉં છું.

સર્વ શુભ અને અશુભની ચમત્કારી ઘટનાઓથી વિસ્મય પામું છું.

ક્યાં કશું અસંગત લાગે છે?

દ્વૈત અને અદ્વૈત ભાવો બંને આનંદતર ગતિમાં લઇ જાય છે.

ક્યાં કશું અપૂર્ણ લાગે છે?

એક અનંત પૂર્ણમાંથી બધુ નીકળે છે.

લીલાઓ થાય છે

ને ફરી એ પૂર્ણમાં સમાઇ જાય છે.

આ તો કવિત્વનો ફફડાટ છે. બાકી, કશું શબ્દમાં ક્યાં અવતરે છે?

2.

વિરાટતર ગીત ગાઉં છું

પણ સૂક્ષ્મથી સૂક્ષ્મતર મારી સન્મુખ હસે છે.

મારી કેટલી ઇચ્છાહીન ઇચ્છાઓ

પૂર્ણ કરવામાં તારું શું જાય છે?

ને તું ક્ષણ-ક્ષણ નવીન થઇને અનોખું નૃત્ય રચે છે.

આખરે ન નૃત્ય બચે છે; ન નૃત્યકાર!

તારા વિરાટ ગીત માટે શબ્દો પણ બચતા નથી.

3.

જીવન અર્થહીન તેં બનાવ્યું છે.

આ જ્ઞાન પછી મારું જીવન એવું રંગીન બન્યું છે કે વાત ન પૂછો.

તારા એક એક રંગને એમાં પૂરું છું

ને અવનવું, નિત્યનૂતન જીવું છું.

જેમાં અનંત આનંદ ગહેરાતો જાય છે.

તારી આ કરુણાને જયારથી આત્મસાત્ કરી છે

ત્યારથી દ્વન્દ્વોની પીડા; અહંનું વિસર્જન થયું છે.

ને ક્ષણ-ક્ષણ સર્જનાત્મક બનીને હર રૂપમાં ડોલે છે.

મારી ક્ષણ પ્રેમપૂર્ણ છે

ને પૂર્ણ પ્રેમને જડ, ચેતનમાં તરંગિત કરે છે. આહા!

4.

મારો ને મીરાંનો

આદિ સંબંધ છે.

જ્યાં સુધી દ્વૈત હોઇએ

ત્યાં સુધી તડપીએ છીએ.

અદ્વૈતમાં યુગો જાય છે

ને પાછા દ્વૈત પ્રેમજીવન જીવીએ છીએ.

મારો અને મીરાંનોઆદિ-અનાદિ સંબંધ છે.


5.

ટોચ પર ઉભેલો નીચે

જુએ છે

ને

નીચે ઉભેલો ટોચ પર જુએ છે!

આ જોઇ મારાથી પ્રાર્થના થઇ જાય છે :

હે પરમ! હું ક્યાંય ઊભો ન રહું.

જ્યાં છું ત્યાંથી ઉર્ધ્વથી ઉર્ધ્વતર

ગતિ કરું. ટોચથી પણ ટોચતર ગતિ કરતો રહું…

6.

વર્ષા ધોધમાર

દિલ પણ એમ જ વહી રહ્યું!

પાણી નદીમાં ભળ્યું,

નદી સમુદ્રમાં!!

ક્યાં રહ્યો હું?

સમુદ્ર જ છે...

7.

આ ફૂલ કંઇ અમથું મહેકતું નથી

એ મીરાંનું ગીત સૂણે છે

આ ભમરો કંઇ અમથો ગુંજતો નથી

કૃષ્ણની બંસી એને ગુંજવે છે.

મીરાં અને કૃષ્ણ વિના બધું નિરસ...

8.

‘એ આવે ને જાય’ આ રમતમાં પણ પ્રગાઢ આનંદ આવે છે.

એ ન આવે ત્યારે વિરહ પણ મીઠો-મીઠો લાગે છે.

એની પ્રતીક્ષા એટલી ઉત્કટ હોય છે

કે બીજું કશું અનુભવાતું નથી.

નરસૈંયાએ એટલે જ કદાચ ગાયું હશે˸

ભૂતળ ભક્તિ પદારથ મોટો, બ્રહ્મલોકમાં નાહિ રે...

9.

જીવી લીધું

હવે એક ગીત ગાઇને શાંત થઇ જવું છે.

ક્ષમતાથી ઉપર પ્રયાસ કરું છું

પણ આ ગીત ગવાતું નથી ને જીવવું પડે છે.

એકવાર મેં પ્રયાસ મૂકી દીધો.

ગીત અંદરથી એની મેળે ગવાવા લાગ્યું…

10.

તું જ્યારે પ્રગટે છે ત્યારે જ સૃષ્ટિ આનંદમય લાગે છે.

તું જ્યારે પ્રગટે છે ત્યારે જ સર્વ સાર્થક લાગે છે.

તું જ્યારે પ્રગટે છે ત્યારે જ જીવન, જીવન લાગે છે.

માટે હે પ્રભુ,

તારું મારામાં પ્રાગટ્ય અમર રહો !

11.

તારી કવિતા લખવા બેસું છું,

કેમ કે થોડા વિરામ સમયે તું પ્રગટે છે

ને મને મસ્ત આનંદમાં લઇ જાય છે.

ભાષામાં ભલે એકસૂત્રતા ન હોઇ

પણ ત્યારે તારી સાથે મારી એકસૂત્રતા જોડાઇ છે

ને હું ધન્યતા અનુભવું છું.

દેહની ક્ષમતા બહારનો આનંદ સાગર થઇને ઝૂમે છે.

એ સહી શકતું નથી ત્યારે

હું દેહની ચોપાસ એ સાગરને ઘુઘવટો સૂણી રહું છું...

આજ કવિતા લખવાનું મારું ધ્યેય છે.

12.

તને ʻતુંʼ થયા સિવાય ગાઇ શકાતો નથી.

લાંબા-લાબાં ગીતોમાં તું ઝાંખો થઇ જાય છે.

અલંકાર, છંદોમાં તો તું ક્યાં છે એ ખોળવું

પણ મુશ્કેલ બને છે.

પણ તને ગાવાની મારી અધિરાઇ મારાથી

અનંત ઊંચી છે

ત્યારે તને

પ્રેમ-આ એક શબ્દથી ગાઉં છું.

મારા દરેક ગીતમાં આ એક શબ્દાળું ગીત ઉત્તમ છે

અને ઉત્તમોત્તમ તો એ એક શબ્દની આગળ રહેલી

શબ્દશૂન્યતા છે.

13.

મીરાં

ગજબનું પ્રેમગીત!

યુગોથી અવિરત ગવાઇ રહ્યું છે

પ્રેમીઓ સતત સૂણી રહ્યાં છે...
મીરાં

ગજબનું પ્રેમગીત!

14.

યુગોથી

ધગધગતો અંગારો થઇ

હું તને પ્રેમ કરું છું.

તું દાઝે છે

પણ ભષ્મ થતી નથી.

પીડમાં અંતર અવાજ સૂણું છું˸

એને પ્રેમ કર, કલ્યાણ થઇ જશે.

ક્ષણે ઝબકાર પેદા કર્યો અસ્તિત્વમાં

ને ચારેકોર ઝબકાર ને ઝબકાર ને ઝબકાર...

15.

ʻઆટલી સર્જન શક્તિ છે તો કશું લાંબું લખ,મિત્ર!ʼ

હું મિત્રને અચરજથી જોઇ રહ્યો.

ʻહું ક્ષણનાં ગીત સિવાય કશું લખી શકું એમ નથી.

ક્ષણ જે અવનવા રૂપ પ્રગટ કરે છે

તેને શબ્દમાં અવતરવાનો હું પ્રયાસ કરું છું.

પરંતુ જ્યારે વાંચું છું ત્યારે મને હંમેશાં લાગે છે

કે એ જે રીતે મારામાં અવતરી હતી

એ રીતે હું એને શબ્દોમાં ઢાળી શક્યો નથી.

એ અર્થમાં હું ક્ષણનું ગીત પણ લખી શકતો નથી.

આમાં હું સર્જક? સર્જક તો એ જ છે.’

હવે મિત્ર મને અચરજથી જોઇ રહ્યો.

16.

દિલ કામ કરતું હોય

ત્યારે મનને બાજુંમાં મૂકો,

નહિતર એ એને કામ કરવા દેશે નહિ.

ʻદિલને શું કામ હોય છે?ʼ

ʽપ્રેમને પસારવાનું.ʾ

ʽબસ આટલું જ?ʾ

ʽકેમ કહુંˀ પછી...પ્રેમરૂપ બનવાનું!

આ કામ એટલું મોટું છે કે એક માત્ર પ્રેમ જ અંતર-બાહ્ય રહે

ત્યાં સુધી કરવાનું છે. દિલ કેટલી મુશ્કેલીમાંથી પડે છે એ તો હું જ જાણું છું,મિત્ર!’

મિત્ર મારી સામે ભાવહીન જોવા લાગ્યો.

મારામાંનો ભાવ એની અંદર ભરાવા લાગ્યો.

ક્ષણ કેવું અદભુત નૃત્ય કરતી હતી ત્યારે!

17.

‘જિંદગીનો થાક કેમ લાગે છે?’ મેં એને પૂછયું.

‘પ્રેમે જિંદગીને રખડવાનું નિમંત્રણ આપ્યું હતું પણ તું કાયર ન ગયો. પછી આવા પ્રશ્નો પૂછે છે?’

‘પણ એની સાથે રખડ્યા જ કરું?’

‘કેમ રખડવાનો થાક લાગે છે?’

‘ના. પૂરો વિશ્રામ!’

‘તો મૂર્ખ આવા પ્રશ્નો શું કામ પૂછે છે?’

‘મન ઉપસ્થિત થઈ જાય છે.’

‘ના, કરે છે, તું!’

હું અટવાઈ ગયો. એ હસતો હસતો ચાલ્યો ગયો.

18.

પ્રેમ સંપૂર્ણ અસ્તિત્વ છે.

એના બધા અંશો છે.

એના અંશમાં દર્શન કરાય પણ અંશને પકડીને સકુંચિત ન થવાય.

મહદાંશએ આવું બને છે એટલે જ્યાં-ત્યાં પ્રેમના ચમકારા માત્ર જોઇ શકીએ છીએ

ને એક ભૂખી દોડ શરૂ થાય છે.

સદ્ગુરુ આ દોડને શમાવે છે

ને પ્રેમના સંપૂર્ણ અસ્તિત્વ પ્રતિ ઇશારો કરે છે.

માટે જ, સદ્ગુરુઓને મારું હૃદય સદા સલામ કરતું રહે છે

ને હું સતત અનુભવતો રહું છું

કે પ્રેમ પોતાનું અસીમ વિરાટરૂપ ધરતું જય છે.

પ્રેમને પામવાની આ યાત્રા ખરે જ રહસ્યપૂર્ણ છે.

તે કદી સમજાવી શકાતી નથી.

ભિન્ન- ભિન્ન રીતે આ યાત્રા થાય છે.

હું આવો યાત્રી છું.

19.

પ્રેમ સ્વયં પથ

સ્વયં મંઝિલ

બિલકુલ સ્વાવલંબી...

એને આત્મસાત્ કર્યા પછી

બીજું કશું કરવાનું હોતું નથી.

20.

પ્રેમ સદા દ્વાર ખખડાવે છે

પણ આદતો, માન્યતા અને આભાસમાં જીવતો માણસ

દ્વાર ખોલવામાં ભયભીત છે.

થોડી શુદ્ધિથી કોઇ દ્વાર ખોલે છે

ને પ્રેમ પૂર્ણ શુદ્ધિનું કામ કરવા લાગે છે.

પ્રેમની પ્રક્રિયાને કેટલાક યોગ કહે છે;

કેટલાક ભક્તિ કહે છે.

હું આ મહાજીવનનો પ્રવાસી છું.

અહીં પ્રવાસ ને માત્ર પ્રવાસ છે.

રહસ્યપૂર્ણ, આનંદપૂર્ણ પ્રવાસ ને માત્ર પ્રવાસ!

21.

કંઇક કામનું લખું

ને પીડા થાય છે.

શબ્દો અટ્ટહાસ્ય કરીને મારી મજાક ઊડાવે છે.

સર્જનનો આનંદ રિસાઇ જાય છે.

ઇચ્છાહીન કલમ પકડું છું

ને તું મારી કલમ ઝાલી લીએ છે.

શબ્દો મારો જયઘોષ કરતા મારી સાથે દોસ્તી કરે છે.

એક પછી એક તારા રંગીન ગીતો

મારી કલમમાંથી અવતરતા જાય છે.

તારી આ પ્રકારની પ્રાર્થના મારા જીવનનું બળ છે.

22.

‘માનવ શું કામ શાસ્ત્રો લખતો હશે?

શું કામ તેનાથી તેની સ્વતંત્રતાઅને વિકાસને રૂંધતો હશે?

સદીઓથી શાસ્ત્રોએ શુભ કરતા

અનેકગણું અશુભ માનવો માટે કર્યું છે,

આ સત્ય માનવ સમજે છે

છતાં એ વૈચારિક ગુલામ કેમ રહેતો હશે?’ મેં એને પૂછયું.

‘પ્રેમને સમજતો નથી; સ્વીકારતો નથી એટલે.

જીવનનું ચાલકબળ પ્રેમ બને તો એને કોઇ શાસ્ત્રોનો હાથ પકડવાની જરૂર નથી.

એ સમ્ર।ટની જેમ જીવી શકે એમ છે.’

એ જવાબ આપી ચૂપ થઇ ગયો.

એની ચૂપીમાંથી પ્રેમ તરંગિત થઇ

ચોપાસ ફેલાઇ રહ્યો. હું તેમાં નાહતો રહ્યો.

23.

હું જ તું

આ સમજ પછી હું વિરાટથી વિરાટતર રહ્યો છું...

રહસ્ય, રહસ્યમાં રમી રહ્યું છે.

અદ્વૈત ને અદ્વૈત ને અદ્વૈત...

24.

સદ્ગુરુ સમીપે સુખ

નદી હું,

મૂળ સ્વરૂપ બનાવ્યો

પરમ શું?

સાવ મૂઢ મને

પરમ બનાવ્યો...

સદ્ગુરુ સમીપે સુખ.

25.

મને કયાં એનો ભરોસો હતો?

સમીપ તમારી, ભરોસો બેઠો

અંધકાર ગયો, પ્રકાશ છવાયો

ને અદ્વૈત થયો.

26.

હૃદયગૂંફા પ્રતિ નિર્દેશ તમારો

પ્રવેશ મારો

વાહ! શ્ર્વેત રંગ

ને પછી રંગ વગરની દુનિયા...

અપાર ઉપકાર તમારો.

27.

પ્રેમ કર્યો બધાંને

પ્રેમ થયો તમને

ને પ્રેમ સમજાયો મને...

પરમાત્મા એ જ પ્રેમ

હવે એ સાચું લાગે છે.
28.
અહંકારનું વિસર્જન?

કઠિનત્તમ પ્રશ્ર્ન...

સદ્ગુરુ સમીપે

ક્યારે ‘તું’માં વિલાયો

ખબર ન રહી.

29.

તું ક્યાં કશું કરે છે?

તારા દ્વારા બધું

અસ્તિત્વ કરાવે છે.

તું સહજ જીવતો, બહ્માવતાર લાગે છે.

તારી સમીપે ક્યાં કોઇ ઇચ્છા રહે છે?

30.

બેબાકળી

પણ લજ્જામાં રૂપ સંકોચાતું

નજર અકળવકળી,કશું શોધતી

બહાર આવી,તનમન તરંગિત થયું

પિયામાં સમાઇ એ બેબાકળી...

1 comment:

Riyaz said...

Dear Ramjibhai,
I have seen your Blog.It is wonderful.You are doing work for Primary Education is really mind blowing.I hope in future also you will serve Primary Education like this.
Keep it up...
With Warm regards...

RIYAZ MUNSHI(JUNAGADH)